સુરતના ONGCમાં બેરુત જેવો બ્લાસ્ટ : ધડાકા સાથે અડધા શહેરમાં કંપારી અનુભવાઇ
મળતી માહીતી મુજબ સુરત (Surat) નાં હજીરા (Hazira) માં આવેલી ONGC કંપનીમાં વહેલી સવારે ૩.૦૯ વાગ્યે પ્રચંડ બ્લાસ્ટ (Massive Blast) થયો હતો. પ્રાથમિક માહીતી અનુસાર આ ધડાકો ગેસ લીકેજને (Gas Leakage) કારણે થયો હતો. ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે સુરતનાં રાંદેર, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં કંપારી અનુભવાઇ હતી. હાલ પ્રાથમીક ધોરણે HADA (હજીરા એરીયા ડેવેલોપમેન્ટ ઓથોરીટી) દ્રારા ઇમરજન્સીનો કોલ આપવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા લેબેનોન દેશના બૈરૂતમાં થયેલો ધડાકો અને લાગેલી આગની જેમ જ સુરતના છેવાડે હજીરા ખાતે આવેલી ઓએનજીસી કંપનીમાં પણ આજે મધરાત્રે ત્રણ કલાકે ધડાકા સાથે ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે ગેસ લીકેજને કારણે આ ધડાકો થયો હતો. જેનો અવાજ ફરતેના 25 કિ.મી. સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. ધડાકા સાથે લાગેલી આગને કારણે તેની જ્વાળાઓ આકાશમાં બે કિ.મી.થી પણ ઉંચી ઉઠી હતી. આગને કારણે હજીરાનું આખું આકાશ ગુલાબી કલરનું થઈ જવા પામ્યું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ હતી.
ધડાકાના પગલે લાગેલી આગને કાબુમાં લેવા માટે હજીરા વિસ્તારની પાંચ જેટલી કંપનીઓ, સુરત મહાનગર પાલીકા અને ફાયરની ટીમો કામે લાગી છે.
ઘટનાની જાણ થતા તાકીદના ધોરણે સુરત મનપાના ફાયર બ્રિગેડના પાંચ ફાયર ફાઈટરોને ઓએનજીસી ખાતે રવાના કરવામાં આવ્યો હતો. ઓએનજીસીના આ પ્લાન્ટમાં છેલ્લા બે દિવસથી મેઈન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. બોમ્બે હાઈથી આવેલા સ્ટાફ દ્વારા આ મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. દરમ્યાન ગેસ લીકેજથી ધડાકો થયો હતો. આશરે 3:09 કલાકથી 3:14 કલાક સુધી આ ધડાકાની અસર જોવા મળી હતી. બીજી તરફ ઘટનાને પગલે કોઈ મોટી સમસ્યા નહીં સર્જાય તે માટે સુરત પોલીસના પાંચ પોલીસ મથક મરિન, હજીરા, ઈચ્છાપોર તેમજ ડુમસના પોલીસ સ્ટાફને મોકલવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યારે રાત્રે સવા ચાર લાગ્યે આગનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેની વિગતો મળી નથી. પ્લાન્ટમાં જ્યારે ધડાકો થયો અને આગ લાગી ત્યારે કંપનીનો સ્ટાફ પણ હાજર હતો, જેને કારણે મોટી જાનહાનિ થઈ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે
ઓએનજીસી કંપનીમાં થયેલા ધડાકાની અસર અડધા સુરત શહેરમાં જોવા મળી હતી
ઓએનજીસીમાં થયેલા આ ઘડાકાની અસર અડધા સુરત શહેરમાં જોવા મળી હતી. ધડાકાને કારણે હજીરા, ભાઠા-ભાટપોર, ઈચ્છાપોર ખાતે જે કાચા મકાનો હતા તેના પતરાઓ ઉડી ગયા હતા. તો નજીકના પાલ, અડાજણ, અઠવાલાઈન્સથી શરૂ કરીને ડુમસ સુધીના વિસ્તારોમાં મકાનોમાં ભૂકંપ જેવી અસર જોવા મળી હતી. લોકોએ શરૂઆતમાં વીજળીના કડાકા હોય તેવું માની લીધું હતું પરંતુ બાદમાં ઓએનજીસી કંપનીમાં ધડાકો થયો હોવાનું અને આગ લાગી હોવાની વિગતો બહાર આવી હતી.
30 કિ.મી. દૂરથી આગની જ્વાળાઓ દેખાતી હતી, લોકો જ્વાળા જોવા બ્રિજ પર દોડી ગયા
ઓએનજીસી કંપનીમાં ધડાકા બાદ લાગેલી આગને પગલે આકાશમાં બે કિ.મી. સુધી જ્વાળાઓ ઉઠી હતી. જેને કારણે આકાશ ગુલાબી થઈ જવાની સાથે આશરે 30 કિ.મી. દૂરથી જ્વાળાઓ દેખાઈ હતી. સુરતમાં કતારગામ અને વરાછાથી શરૂ કરીને રાંદેર, અડાજણ, પાલ, ઉધના, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાંથી આગની જ્વાળાઓ દેખાઈ હતી. મધરાત્રે જ્વાળાને જોવા માટે લોકો કેબલ સ્ટેઈડ બ્રિજ અને ઓએનજીસી બ્રિજ પર દોડી ગયા હતા. બ્રિજ પરથી લોકોએ જ્વાળાના વિડીયો ઉતારવાની સાથે ફોટાઓ પણ લીધા હતા.
ધડાકા અને આગને પગલે કાંઠા વિસ્તારના ગામોમાં લોકો રોડ પર આવી ગયા
ઓએનજીસી કંપનીમાં થયેલો ધડાકો ખુબ મોટો હોવાની સાથે લાગેલી આગને પગલે નજીકના કાંઠા વિસ્તારના ગ્રામજનો ગભરાઈ ઉઠ્યા હતા. ગ્રામજનો રસ્તાઓ પર દોડી આવ્યા હતા. મધરાત્રે ઓએનજીસીની આસપાસના ગામોમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જેને પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
હજીરામાં ઓએનજીસી પ્લાન્ટ 19 કિ.મી.માં પથરાયેલો છે
સુરતના હજીરા ખાતે આવેલો ઓએનજીસી કંપનીનો પ્લાન્ટ આશરે 640 હેકટરમાં છે. તેનો વિસ્તાર 19 કિ.મી. વિસ્તારમાં પથરાયેલો છે. ઓએનજીસી કંપની દ્વારા એલપીજી, નેપ્થા, એસકેઓ, એટીએફ, એચએસડીએન પ્રોપ્રેન બનાવવામાં આવે છે.
જ્યાં સુધી સંપૂર્ણ ગેસ બળશે નહીં ત્યાં સુધી આગ ચાલુ જ રહેશે
ઓએનજીસી કંપનીના અધિકારીઓએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, બોમ્બે હાઈથી ઓએનજીસી કંપનીમાં ગેસ આવે છે. 36 ઈંચની ગેસ લાઈન છે અને તેને ફ્રન્ટલાઈનની પાઈપલાઈન તરીકે ઓળખવામાં આવે છે. આગ જ્યારે લાગી ત્યારે નાઈટ શિફ્ટનો સ્ટાફ ગેસ ટર્મિનલ બિલ્ડીંગમાં હાજર હતો. બોમ્બે હાઈથી ગેસનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ હાલમાં જ્યાં આગ લાગી ત્યાં ગેસ સપ્લાય ચાલુ હોવાથી જ્યાં સુધી ગેસ બળી જશે નહીં ત્યાં સુધી આગની જ્વાળાઓ દેખાતી જ રહેશે. આશરે 240 કિ.મી. જેટલી લાંબી ગેસ લાઈનમાં ગેસ ભરેલો છે. જેથી આ ગેસ બળી ત્યાં સુધીમાં આગને કાબુમાં આવતા આશરે 7થી 10 દિવસો લાગી જશે તેમ જણાવાઈ રહ્યું છે.
આગને કારણે ઓએનજીસી કંપનીને અબજો રૂપિયાનું નુકસાન થશે
ઓએનજીસીના આ પ્લાન્ટમાંથી થતો ગેસ સપ્લાય હજીરાની ફર્ટિલાઈઝર કંપની, પાવર અને પેટ્રોલિયમ કંપનીઓ, સીએનજી ઉત્પાદક કંપનીઓ, સિરામીક કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ભારતના છ રાજ્યોમાં આ ગેસ પાઈપ લાઈન જાય છે. જેને કારણે આગથી ઓએનજીસી કંપનીને અબજો રૂપિયાનો પ્રોડકશન લોસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આગને કાબુમાં લેવાના પ્રયાસો જારી છે, લોકોએ ડરવાની જરૂર નથી
ઓએનજીસી કંપનીના એચઆર મેનેજર દિબાંકર બહેરાએ જણાવ્યું હતું કે,પ્લાન્ટમાં જે બહારથી ગેસ લાઈન આવે છે તેમાં આગ લાગી છે. આગને કંટ્રોલમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સુરતના નાગરિકો ખોટી અફવાઓથી દૂર રહે, ડરવાની જરૂર નથી. ઓએનજીસીની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ આગ ઓલવવા માટે સતત પ્રયત્નશીલ છે. આગને કાબુમાં લાવવા માટે હાડા વિસ્તાર તેમજ સુરત મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની સેવાઓ પણ લેવાઈ રહી છે.
તમે બ્રેકીંગ ન્યુઝ વાંચી રહ્યા છો. વધુ માહીતી માટે રીફ્રેશ કરતા રહો.
RECENT POSTS
યુજી અને પીજીના અંતિમ વર્ષના એક્ષ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા 26 સપ્ટેમ્બરથી શરૂ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. તમામ ફેકલ્ટીના અંતિમ વર્ષના…
મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 49 રને હરાવ્યું
આઇપીએલની 13મી સિઝનની પાંચમી મેચમાં આજે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે…
નેપાળમાં ચીનના અતિક્રમણ સામે જોરદાર દેખાવો
નેપાળના હુમલા જિલ્લામાં ચીન દ્વારા કથિત રીતે ઈમારતોના બાંધકામના વિરોધમાં દેશના એક નાગરિક સમાજના સમૂહે…
ડેંગ્યુ થઈ ગયો હોય એને કોરોના નહીં થાય?
બ્રાઝિલમાં કોરોના વાયરસ મહામારી પર કરાયેલા એક નવા અભ્યાસમાં વાયરસ અને ભૂતકાળમાં ડેંગ્યુ તાવ ફેલાયો…
વધુ ૮૩૩૪૭ કેસો સાથે દેશમાં કોરોનાના કેસો ૫૬ લાખને પાર
એક જ દિવસમાં કોરોનાના નવા ૮૩૩૪૭ કેસો સાથે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 56 લાખને…
કોરોના સામે અમેરિકાની રસી ડિસેમ્બરમાં આવવાની વકી
જહોનસન એન્ડ જહોનસન એક મોટું ફાઇનલ પરીક્ષણ એ જાણવા માટે શરૂ કરવાની તૈયારીમાં છે કે…




Comments
Post a Comment